ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન : Monsoon Forecast

મિત્રો જેમ જેમ ચોમાસું નજીક આવતું જાય છે. ટીટોડીના ઈંડા મુજબ ચોમાસું થશે ટનાટન અંતર્ગત આ પોસ્ટમાં થોડીક વાત કરશું. જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ દેશી વિજ્ઞાન આધારિત આગાહીઓ પણ આવતી જતી હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ટીટોડીના ઈંડાને આધારે આવનારું ચોમાસું કેવું રહી શકે? એ અંતર્ગત થોડીક માહિતી મેળવવાનો પ્રયાસ કરશું.

ચોમાસું ટનાટન

આમ જોવા જઈએ તો, ટીટોડીના ઈંડા ખેતરના શેઢા પારે અથવા તો ખેતરમાં મોટેભાગે જોવા મળતા હોય છે. અને ટીટોડીના ઈંડા વર્ષમાં મોટેભાગે ચૈત્ર તેમજ વૈશાખ મહિનાના સમયગાળા દરમિયાન જોવા મળતા હોય છે. તો મિત્રો આ ટીટોડીના ઈંડાનું શું વિજ્ઞાન છે? એ સંબંધિત ચોમાસામાં કેવો વરસાદ થઈ શકે છે? એ અંગેની માહિતી મેળવશું.

મિત્રો એક લોકવાયકા મુજબ ટીટોડીના ઈંડા જમીન સપાટીથી જેટલી વધુ ઊંચાઈએ જોવા મળે તો, આવનારું ચોમાસું ટનાટન રહી શકે છે. કેમકે ટીટોડીને અગાઉથી જ એક એવો અંદેશો મળી જતો હોય છે કે, આ વર્ષે વરસાદ વધુ થશે. એ માટે પોતાના ઈંડા જમીન સપાટીથી વધુ ઊંચાઈની અવસ્થામાં જોવા મળે છે.

ટીટોડી નાના નાના કંકર ભેગા કરીને મોટો ઢગલો બનાવે છે. અને ત્યારબાદ આ ઢગલા ઉપર પોતાના ઈંડા મૂકે છે. મિત્રો જમીન સપાટીથી જેટલો ઊંચો ઢગલો બનાવે તેટલી વરસાદની સંભાવના ચોમાસા દરમિયાન વધુ પડતી ગણાય. આવી એક પ્રસિદ્ધ લોકવાયકા જોવા મળી રહી છે.

ટીટોડીના ઈંડા

મિત્રો ટીટોડીના ઈંડા ખેતરના પારા ઉપર જોવા મળે તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે. વરસાદના દિવસો દરમિયાન વરસાદની સંભાવના વધુ રહેશે. કેમ કે એક સામાન્ય વાત મુજબ ખેતરનો પારો જમીન સપાટીથી હંમેશા ઊંચો હોય છે. એટલે જો ખેતરના પારા ઉપર ટીટોડીના ઈંડા જણાય તો, તે વર્ષનું ચોમાસું ખૂબ જ સારું સાબિત થશે.

મિત્રો ટીટોડી પોતાના ઈંડા કેટલી સંખ્યામાં મૂકે છે? એ વાત પણ ખૂબ જ મહત્વની છે. જો ટીટોડીનું ઈંડુ એક જણાય તો, તે વર્ષે દુષ્કાળની સંભાવના વધુ ગણી શકાય. ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની સંભાવના ખુબ જ ઓછી ઉભી થાય. એટલે જો ટીટોડીનું ઇંડુ એક જોવા મળે તો, તે સારી નિશાની ગણાતી નથી.

ટીટોડીના ઈંડા અંગે વધુ વાત કરીએ તો, મિત્રો જો ટીટોડીના ઈંડાની સંખ્યા 2 જોવા મળે તો, તે વર્ષ મધ્યમ ગણી શકાય. જે વર્ષે મોટેભાગે ટીટોડીના ઈંડા બેની સંખ્યામાં જોવા મળતા હોય, તે વર્ષે અમુક વિસ્તારમાં વરસાદ સારો થાય તો, અમુક વિસ્તારમાં દુષ્કાળ જેવા ચિત્રો પણ જોવા મળી શકે છે.

આગળ જોઇએ તો, ટીટોડીના ઈંડા જે વર્ષે 3 ની સંખ્યામાં જોવા મળતા હોય. તે વર્ષ મધ્યમ ફળ આપનારું ગણી શકાય. મિત્રો દર વર્ષે સોશિયલ મીડિયામાં ટીટોડીના ઈંડાના ફોટા આવતા હોય છે. જો જે વર્ષે ઈંડાની સંખ્યા વધુ પડતી ત્રણની જોવા મળે તો, તે વર્ષ મધ્યમ ગણી શકાય. કેમ કે તે વર્ષે ખંડ વૃષ્ટિના યોગ વધુ પડતા જોવા મળે.

ચોમાસું થશે ટનાટન

મિત્રો જે વર્ષે ટીટોડીના ઈંડા 4 અથવા તો 5 ની સંખ્યામાં જોવા મળતા હોય, તે વર્ષનું ચોમાસું જમાવટ કરશે. એમાં કોઈ શંકા કરવી નહીં. કેમકે જે વર્ષે ટીટોડીએ મુકેલા ઈંડાની સંખ્યા 4 અથવા તો 5 જોવા મળે તો, તે વર્ષે બારે મેઘ ખાંગા થશે. ધન ધન્યના ઢગલા થશે. તેમ જ રાજા અને પ્રજા પણ સુખી થાય આવા યોગનું નિર્માણ થાય.

મિત્રો એક બીજી લોકવાયકા મુજબ ટીટોડીના ઈંડા જો સમથળ એટલે કે સમાંતર સ્થિતિમાં મુકેલા જણાય તો, તે સારી નિશાની ગણાતી નથી. પરંતું ઈંડા જો જમીનમાં ખૂંચ અવસ્થામાં જણાય તો, તે વર્ષનું ચોમાસું દમદાર રીતે જામશે એવું અનુમાન લગાવી શકાય.

વૈશાખ મહિનાના અંતિમ અખવાડિયામાં જો ટીટોડીના ઈંડા શેઢે પારે વધુ પડતા જોવા મળે તો, ચોમાસાનું આગમન મોડું થાય છે. વાવણી લાયક વરસાદ પણ મોડો થાય આવી એક લોકવાયકા જોવા મળી રહી છે. પરંતુ જો ચૈત્ર મહિનામાં ટીટોડીના ઈંડા જણાય તો, ચોમાસું સમયસર રહે છે અને ચોમાસું પણ સારું રહે છે.

મિત્રો અહીં એક વાતનો પણ ખાસ અભ્યાસ કરવો કે, ટીટોડીના ઈંડા જો કોઈ પાણીના રેક અથવા કે પાણીના વહેણના ભાગમાં જોવા મળે તો, તે વર્ષે દુષ્કાળના ડાકલા વાગી શકે છે. આ એક લોકવાયકા પણ ખુબ પ્રચલિત છે એટલે આ વાતનો પણ ખાસ અનુભવ કરવો.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં આ સિવાય ઘણા બધા ચિન્હો બતાવવામાં આવ્યા છે. જેમ કે હોળીનો પવન, અખાત્રીજનો પવન, ચૈત્રી દનિયા, મહા મહિનાનું માવઠું આ બધા દિવસોનું પણ ખાસ અવલોકન કરવું. જોકે આ બધી બાબતમાં કેવા કેવા ચિત્રોનું નિર્માણ થાય તો, ચોમાસું કેવું રહે? એ અંતર્ગત આપણે નવી પોસ્ટના માધ્યમથી માહિતી રજૂ કરીશું.

મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનની સાથે સાથે આધુનિક વિજ્ઞાન સંબધીત હવામાનની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv સાથે જોડાયેલા રહેજો. સાથે સાથે અહીં અપડેટ થતી દરેક પોસ્ટને તમારા વિવિધ સોશિયલ મીડિયામાં પણ શેર કરજો. જેથી હવામાનની માહિતી બીજા મિત્રો સુધી પણ પહોંચતી રહે.

error: Content is protected !!