મિત્રો ધરતીનું પડ એકધારૂ વીંધાઇ રહ્યું છે. કેમકે ભૂગર્ભ જળ મેળવવું ખૂબ જ દુષ્કર બની ગયું છે. તો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે થોડીક વાત કરશું. જે કુવો અથવા તો બોરવેલ કરનાર ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થશે.
મિત્રો સૌરાષ્ટ્રની વાત કરીએ તો, સૌરાષ્ટ્રમાં લગભગ દિવાળી બાદથી જ લગભગ દરેક ગામડાઓમાં બોર્રીંગ ચાલુ થઈ જતા હોય છે. સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ લગભગ સળંગ 6 થી 7 મહિના દરમિયાન અસંખ્ય કુવા તેમજ બોરિંગ થતા હોય છે. પરંતુ મોટાભાગના બોર સાવ કોરા જતા હોય છે. કેમકે બોરમાંથી નેસર પાણી મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. તો આજની આ પોસ્ટમાં જમીનમાંથી પાણીની શોધ અંગે અમુક પ્રયોગોની વાત કરશું.
જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે ઘણા બધા પ્રયોગો જોવા મળી રહ્યા છે. જેમ કે શ્રીફળ દ્વારા પાણીની શોધ કરવામાં આવે છે. તો ત્રાંબાના સળિયા વડે પણ જમીનમાંથી પાણી શોધવાની રીત આજે વર્ષોથી પ્રચલિત છે. પરંતુ આ પ્રયોગોમાં અમુક કિસ્સાઓમાં સફળતા મળે છે તો, અમુક કિસ્સાઓમાં નિષ્ફળતા મળે છે.
આજના આ આધુનિક વિજ્ઞાનના સમયમાં એટલે કે આજના આ ટેકનોલોજીના સમયમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે અમુક યંત્રો એટલે કે વૈજ્ઞાનિક ઉપકરણો પણ છેલ્લા કેટલાક વર્ષોથી જોવા મળી રહ્યા છે. મિત્રો આવા પ્રયોગોમાં ઘણા કિસ્સાઓમાં સફળતા પણ મળે છે. તો ઘણા કિસ્સાઓમાં નિષ્ફળતા પણ મળે છે.
જમીનમાંથી પાણી શોધવાની રીત
તો જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે પ્રાચીન પદ્ધતિ અંગેનો વિચાર કરીએ તો, મિત્રો જમીનના પ્રકાર ઉપરથી પણ ભૂગર્ભમાં પાણીનો કેટલો સ્ત્રોત રહેલો છે? એનું અનુમાન કરી શકાય. જેમ કે યલો કલરની જમીન અથવા તો સફેદ પ્રકારની જમીનમાં ભૂગર્ભજળ શોધ કરવામાં મોટેભાગે સફળતા મળતી હોય છે. કેમકે આવા પ્રકારની જમીનની નીચે પાણીનો સ્ત્રોત વિપુલ માત્રામાં રહેલો હોય છે.
મિત્રો તો અમુક પદ્ધતિઓમાં જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે વૃક્ષોની સ્થિતિ ઉપરથી પણ એક અંદાજ લગાવતા હોય છે કે, જમીનમાં નીચે પાણીનો કેટલો સ્ત્રોત મળી શકે? જેમ કે ખીજડો તેમજ ખેર નામના વૃક્ષો જે જગ્યા ઉપર હોય તે જમીનની આજુબાજુમાં ભૂગર્ભ જળ સારું એવું રહેલું હોય છે. કેમકે આવી વાત પ્રાચીન વિજ્ઞાનમાં જોવા મળી રહી છે.
મિત્રો એક અનુભવ મુજબ જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના બીજા પ્રયોગ અંગેની વાત કરીએ તો, શિયાળાના દિવસો દરમિયાન રાત્રિના સમયમાં ચાલતા હોય ત્યારે જે જમીન ઉપર ગરમ હુંફનો અનુભવ થાય તો, ત્યાં પાણી મળવાની શક્યતા ખૂબ જ વધી જાય.
પરંતુ આવા કિસ્સાઓમાં ઘણા બધા ખેડૂતોના રીવ્યુ મુજબ પાણીનો સ્ત્રોત ઉપર રહેલો હોય છે. એટલે કે ત્યાં પાણી ખૂબ જ છીછરું મળી આવે. કેમકે ઉપર રહેલા જળના પ્રભાવને લીધે જ તે જમીનની ઉપર શિયાળાની રાત્રી દરમિયાન એક ગરમ હુંફ અનુભવ થાય છે.
મિત્રો જમીનમાંથી પાણીની શોધ અંગે ઘણા બધા પ્રયોગો લોકવાયકામાં જોવા મળી રહ્યા છે. તો એકબીજા પ્રયોગ અંગેની વાત કરીએ તો, ખેતર વાડીના શેઢે પાડે જો રાફડો જોવા મળે તો, તે રાફડાની આસપાસ પણ જમીનની નીચે પાણીનો સારો એવો સ્ત્રોત મળી શકે.
કેમ કે રાફડામાં રહેતા જીવજંતુઓ પણ નીચે જે પાણીનો પ્રવાહ ચાલી રહ્યો હોય તેની હુંફને હિસાબે જ તે જમીન ઉપર રાફડો બનાવે છે. એટલે આ એક પણ માન્યમાં આવે એવી વાત ગણી શકાય.
પાણી શોધવાનો પ્રયોગ
શિયાળાના દિવસો દરમિયાન જ્યારે પણ ઝાકળનો માહોલ જોવા મળી રહ્યો હોય, ત્યારે તમારી વાડીના સેઢાપારે ખાસ અવલોકન કરવું. કેમ કે શિયાળામાં જે દિવસે ઝાકળનો માહોલ હોય ત્યારે વહેલી સવારે જો જમીન ઉપર ભેજનું પ્રમાણ સારું એવું જોવા મળે. એટલે કે કંઈક અંશે જો જમીન ઉપરથી ભીની થઈ હોય એવું જણાય તો, તે જમીનની આસપાસ પાણીનો મોટો સ્ત્રોત મળી શકે છે.
જમીનમાંથી પાણી શોધવાની રીત અંગે શ્રીફળ તેમજ ત્રાંબાના સળિયા વડે પાણી શોધવાની પદ્ધતિ આજે વર્ષોથી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો આવા પ્રયોગોમાં ઘણા બધા પ્રયોગોમાં સફળતા પણ મળે છે. તો અમુક વખતે નિષ્ફળતા પણ મળે છે.
ત્રાંબાના સળિયાથી પાણી શોધવાની રીત
જેમ કે ત્રાંબાના સળિયા જે જમીનની નીચે પાણી હોય ત્યાં એકબીજાથી ખૂબ જ અલગ દિશામાં ફેલાઈ જાય. એ જ રીતે હાથમાં રહેલું શ્રીફળ અચાનક ઊભું થઈ જાય. એવી જમીનની નીચે પાણીનો અઢળક સ્ત્રોત વહેતો હોય આવી માન્યતા પણ જોવા મળી રહી છે.
આજની આ યાંત્રિક ખેતીમાં જમીનના પાણીનો એટલો બધો દિન પ્રતિદિન ઉપાડ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ મુજબ જમીનના તળ ખુબ જ ઊંડા ચાલ્યા ગયા છે. અગાઉના સમયમાં કોસ આધારિત ખેતી થતી હતી ત્યારે ભૂગર્ભ જળ છલોછલ ભરેલું રહેતું હતું. પરંતુ આજે વાડીએ વાડીએ ઇલેક્ટ્રીક મોટરનું અસ્તિત્વ થઈ ગયું હોવાથી દિન પ્રતિદિન જમીનનું તળ ખૂબ જ ઊંડું ચાલ્યું ગયું છે.
આવી પરિસ્થિતિ વચ્ચે જમીનમાંથી પાણી મેળવવું ખૂબ જ દુષ્કર બની ગયું છે. કેમ કે જો કંઈક અંશે નસીબ સાથ આપે તો જ જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગોમાંથી સફળતા મેળવી શકાય. મોટેભાગે સૌરાષ્ટ્રમાં થતા અસંખ્ય બોરિંગમાં ખૂબ જ ઓછા કિસ્સાઓમાં બોરમાંથી નેસર પાણી ખેડૂતો મેળવી રહ્યા છે.
મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતનું હવામાન પણ બદલાઈ રહ્યું છે. એટલે કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં વરસાદની અનિયમિતતા ખૂબ જ જોવા મળી રહી છે. આવા કિસ્સાઓમાં યોગ્ય માત્રામાં ચોમાસા દરમિયાન વરસાદ ન થવાથી જમીનમાં પાણીનું સ્ટોરેજ થતું નથી. છતાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ચેકડેમ સંખ્યા વધી રહી હોવાથી જમીનમાં પાણીના સ્ટોરેજ માટે આ એક આવકાર્ય પગલું ગણી શકાય.
મિત્રો આપણે જે તે જગ્યા ઉપર બોરિંગ કરાવતા હોઈએ છીએ ત્યારે જો બોરિંગમાં નિષ્ફળતા મળે તો, એક વર્ષ બાદ તે બોરને સંપૂર્ણ રીતે બુરી દેવો જોઈએ. કેમ કે જો આવું કરશું તો, જમીનના ઉપરના તળમાં રહેલું પાણી ખૂબ જ ઊંડું ચાલ્યું નહીં જાય. જો આવું કરશું તો જ કુવાના તળ કંઈક અંશે ટકી રહેશે. નહીંતર આવનારા વર્ષોમાં કુવા સાવ નિષ્ફળ બની જશે.
મિત્રો જમીનમાંથી પાણીનો સ્ત્રોત વિપુલ માત્રામાં મેળવવો એ ખૂબ જ દુર્લભ છે. છતાં પણ જો નસીબ સાથ આપે તો, જમીનમાંથી પાણીનો વિપુલ માત્રામાં સ્ત્રોત પણ મેળવી શકાય. એટલે જ ઉપર જણાવવામાં આવેલા જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગોનો અભ્યાસ કરવો.
ખાસ નોંધ : મિત્રો ઉપર રજૂઆત કરવામાં આવેલા જમીનમાંથી પાણી શોધવાની રીત અંગેના પ્રયોગો અંગેની વાત Weather Tv વેબસાઈટની પર્સનલ વાત નથી. કેમકે આ પ્રયોગો લોકાયકામાં ગુથાયેલા છે. એટલે અહીં માત્ર આ પ્રયોગોની વાત રજુ કરવામાં આવી છે.