ભડલી વાક્યો રચના એટલે ગુજરાતના ખેડૂતોનો અડગ વિશ્વાસ. કેમ કે આજના આધુનિક યુગમાં પણ વર્ષો જૂના ભડલી વાક્યો ખેડૂતોના કંઠે ગુંજતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં ભડલી વાક્યો આધારે ચોમાસું કેવું રહે? એ અંગેની મહત્વની વાત કરશું.
ભડલી વાક્યો
હેમંત અને શિશિર ઋતુમાં ઠંડીનો ચમકારો સારો એવો જે વર્ષે જોવા મળે તે વર્ષનું ચોમાસું પણ સારું આવે. મિત્રો શિયાળાના ચાર મહિના દરમિયાન ઠંડીનું સામ્રાજ્ય સારું જોવા મળે તો, ચોમાસું પણ તે વર્ષે સારું આવશે. એ જ રીતે ઉનાળાના ચારેય મહિના દરમિયાન ગરમીનો માહોલ જોવા મળે એટલે બંને ઋતુનું બેલેન્સ સારું ઘણું ગણવું જેથી આવનારું ચોમાસું એટલે કે ત્રીજી ઋતુ પણ સારી આવે છે.
શિયાળાના ચારેય મહિનામાં બનતા વરસાદના ગર્ભની આગળ પાછળ જો ઠાર બિંદુ અથવા તો ઝાકળ બિંદુ ન આવે તો તે ગર્ભનો વરસાદ ચોમાસે ખૂબ જ સારી એવી જમાવટ કરશે. એટલે મિત્રો શિયાળામાં બનતા ગર્ભ જો ગળે નહીં તો આવનારું ચોમાસું ખૂબ જ ટનાટન રહે છે.
ભડલી વાક્યોના આધારે ચોમાસું
ભડલી વાક્ય મુજબ ફાગણ મહિનાની પૂનમની સાંજે જ્યારે હોળીનું પ્રાગટ્ય થાય છે, ત્યારે પશ્ચિમ, વાયવ્ય અથવા તો ઉત્તર ખૂણામાંથી જો પવન ફૂંકાય તો, આવનારું ચોમાસું ટનાટન આવશે. પરંતુ ભડલી વાક્યો મુજબ જો પૂર્વ, અગ્નિ અથવા તો દક્ષિણ દિશામાંથી તે સમયે પવન ફૂંકાય તો, આવનારું ચોમાસુ નબળું અથવા તો દુષ્કાળમય સાબિત થાય છે. કેમકે આ લોકવાયકા ખૂબ જ પ્રચલિત છે.
આજ રીતે અખાત્રીજની વહેલી સવારે સૂર્યોદય પહેલાના પવનનું પણ ખાસ અવલોકન કરવું. ઉપર જણાવેલ મુજબ જ જો સૂર્યોદય પહેલા પશ્ચિમ, ઉત્તર અથવા તો વાયવ્ય ખૂણાનો પવન હોય તો, આવનારું ચોમાસું 16 આની રહેશે. પરંતુ અખાત્રીજની વહેલી સવારે સૂર્યોદય પહેલા જો અગ્નિ અથવા તો દક્ષિણ દિશામાંથી પવન ફૂંકાય તો ચોમાસું ખૂબ જ નબળું આવે છે.
મિત્રો ભડલી વાક્યો મુજબ ચૈત્ર મહિનો બને તેટલો સ્વચ્છ રહેવો જોઈએ. એમા પણ ચૈત્ર મહિનાના વદ પક્ષનું આકાશ જેટલું વાદળ વિહોણું રહે તેટલું જ આવનારું ચોમાસું ખૂબ જ સારું આવે છે. એમાં પણ જો ચૈત્રના દનૈયા જો ખૂબ જ તપે તો, આવનારા ચોમાસાને ચાર ચાંદ લાગે છે. એટલે કે આવનારું ચોમાસું ટનાટન રહેશે આ વાત લખી લેવી.
તો મિત્રો આવી નવી નવી માહિતી તમારા મોબાઇલ ફોનમાં નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટ Weather Tv ને તમારા મોબાઇલ ફોનમાં જરૂરથી બુકમાર્ક કરી લેવી.