Heavy Rain Forecast: ગુજરાતમાં માવઠાના ભારે વરસાદની આગાહી

આ વર્ષે ઋતુચક્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. શિયાળાની સિઝન દરમિયાન ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર માવઠાના રાઉન્ડ જોવા મળ્યા નથી. પરંતુ આ વર્ષના ઉનાળામાં આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે માવઠાનો રાઉન્ડ જોવા મળે એવા ચિત્રો હવામાનના મોડલમાં જોવા મળી રહ્યા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરની સાથે સાથે રાજ્યમાં પવનોની અસ્થિરતાને કારણે આવનારા દિવસોમાં ગુજરાતમાં અપર લેવલે એક મજબૂત સર્ક્યુલેશનનું નિર્માણ થશે. આ સર્ક્યુલેશનની અસરથી ગુજરાત રાજ્યમાં ભારે માવઠાનો રાઉન્ડ જોવા મળશે.

મિત્રો 5 મેથી હવામાનમાં અસ્થિરતાની શરૂઆત ધીમે ધીમે થશે. ક્રમશ જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ માવઠાની સક્રિયતા પણ મજબૂત બનતી જશે. ખાસ કરીને 6 મેથી 9 મેના દિવસો દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની તીવ્રતા હાલ ગ્લોબલ મોડલમાં વધુ પડતી જોવા મળી રહી છે જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, જુનાગઢ, સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં ભારે માવઠું વરસી શકે છે. જ્યારે બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ માવઠાની સંભાવના જોવા મળી રહી છે.

કચ્છના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદનો માહોલ ઉભો થશે. જેમાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં સંભાવના વધુ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં પણ રાજસ્થાન બોર્ડરના વિસ્તારોમાં પણ માવઠાની તીવ્રતા જોવા મળી રહી છે.

મધ્ય ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ, આણંદ, ખેડા, ખંભાત, વડોદરા આ વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે માવઠાનો માહોલ જોવા મળશે. જ્યારે દક્ષિણ ગુજરાતના પણ ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠાની સંભાવના જોવા મળી રહી છે. ટૂંકમાં મિત્રો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનો રાઉન્ડ જોવા મળે એવી પુષ્ટિ ગ્લોબલ મોડલ કરી રહ્યું છે.

મિત્રો યુરોપિયન મોડલ તેમજ ગ્લોબલ મોડલમાં વરસાદની માત્રામાં થોડીક અનિશ્ચિતતા જોવા મળી રહી છે. છતાં પણ માવઠાની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે. જેમાં 3 ઇંચથી 6 ઇંચ સુધી પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે.

ટૂંકમાં મિત્રો ભૂતકાળના છેલ્લા કેટલાક વર્ષોમાં ના જોયું હોય એવો માવઠાનો માહોલ ભર ઉનાળે ઉભો થશે. કેમ કે કમોસમી વરસાદના સમીકરણો સ્પષ્ટ બનતા જાય છે. જેમ જેમ હવામાનની નવી અપડેટ સ્પષ્ટ બનતી જશે તેમ તેમ અમે Weather Tv વેબસાઈટના માધ્યમથી આપને જણાવતા રહેશું.

નોંધ : ઉપર રજૂ કરવામાં આવેલી માવઠા અંગેની આગાહી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ હવામાનના ગ્લોબલ મોડલમાં આવનારા દિવસોમાં માવઠા અંગેના જે સંકેતો જોવા મળી રહ્યા છે, એ અંગેની વાત રજૂ કરવામાં આવી છે. આ વાતની ખાસ નોંધ લેવી.

error: Content is protected !!