પ્રાચીન ભડલી વાક્યો મુજબ પોષ મહિનામાં કેવી પરિસ્થિતિના યોગ બને એ મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે પોષ મહિનાના ભડલી વાક્યો અંગેની માહિતી આ પોસ્ટમાંથી મેળવશું.
પોષ સુદ સાતમ આઠમમાં મેઘ ગર્જના થાય તો, ચોમાસા માટે મેઘ ગર્ભ સારો બંધાણો છે એમ સમજવું. પોષ મહિનાના ભડલી વાક્યો મુજબ પોષ સુદ સાતમે આકાશમાં ઘનઘોર વાદળ દેખાય તો, ચોમાસામાં આદ્રા નક્ષત્રથી જળ-સ્થળ એક કરી દે એવો જોરદાર વરસાદ થાય.
પોષ વદ સાતમના દિવસે આકાશમાં વીજળી થાય તો, શ્રાવણ સુદ પૂનમે ભુક્કા કાઢે તેવો પ્રચંડ વરસાદ થાય. પોષ મહિનાના ભડલી વાક્યો પ્રમાણે પોષ વદ દસમે જો વાદળ વીજળી થાય તો, ભાદરવા મહિનામાં ભરપૂર વરસાદ થાય.
માગશર મહિનાના ભડલી વાક્યો અંગેની માહિતી અહીં વાંચી લેવી.
મિત્રો પોષ વદ તેરસના દિવસે આકાશમાં ચારે બાજુ વાદળ દેખાય તો, શ્રાવણ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદ થાય એવી નિશાની ગણવી. પોષ મહિનાની અમાસે કયો વાર છે? તેનું ખાસ અવલોકન કરવું. સોમ ગુરુ કે શુક્રવાર હોય તો, અનાજ સસ્તું થાય, ઘરે ઘરે મંગળ થાય. જો શનિવાર આવે તો, અનાજના ભાવ બમણા થાય, રવિવાર હોય તો ત્રણ ગણા થાય અને મંગળવાર હોય તો, અનાજના ભાવ ચાર ગણા થાય.
પોષ મહિનાના ભડલી વાક્ય પ્રમાણે પોષ વદ અમાસના દિવસે ધન રાશિમાં સૂર્ય હોય, મૂળ નક્ષત્રની હાજરી હોય તો, ચોમાસાના ચારેય મહિના દરમિયાન વરસાદ સારો થાય. ઝૂંપડા બાંધીને સુખ શાંતિથી રહેવું પણ સ્થળાંતર ન કરવું.
પોષ મહિનામાં જો 5 શનિવાર આવતા હોય, મહા મહિનામાં 5 રવિવાર આવતા હોય અને ફાગણ મહિનામાં જો 5 મંગળવાર આવતા હોય તો, તે દુષ્કાળની નિશાની ગણાય માટે આ વાતનું પણ ખાસ અવલોકન કરવું.
Disclaimer: ઉપર રજૂ કરવામાં આવેલી પોષ મહિનાના ભડલી વાક્યો ની માહિતી એ Weather Tv વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ માહિતી ભડલી વાક્ય સંહિતામાંથી લેવામાં આવી છે. આ વાતની ખાસ નોંધ લેવી.