નવા વર્ષની શરૂઆત જાણે ઉનાળા સાથે થઈ હોય એવો માહોલ ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળી રહ્યો હતો. પરંતુ ઉત્તર ભારતમાં કાશ્મીર સહિત અનેક વિસ્તારોમાં બરફ વરસાદનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે. જેને અનુસંધાને ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ હવે ધીરે ધીરે જમાવટ કરશે.
આવતીકાલનું હવામાન ગુજરાત રાજ્યમાં મીઠી ઠંડી સાથે જોવા મળશે. હવે ધીરે ધીરે મોડી સાંજ અને રાત્રીનું તાપમાન 22° ની આજુબાજુ આવનારા એકાદ બે દિવસમાં જોવા મળશે. જો કે આવનારા હજી થોડા દિવસ માટે દિવસના તાપમાનમાં કોઈ મોટી ગીરાવત જોવા મળશે નહીં.
કારતક મહિનાના મધ્યાંતર આવ્યા છતા ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ નહિ આવ્યાનું મુખ્ય કારણ દરિયાઈ સપાટીથી પાંચ કિલોમીટર ઉપર ઓરિસ્સાની આસપાસ જે હાઈપ્રેશર જોવા મળી રહ્યું છે, તેને મુખ્ય કારણભૂત ગણી શકાય. આ સિસ્ટમને હિસાબે હજી સુધી ગુજરાત રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા મળ્યો નથી.
પરંતુ હવામાનની રૂપરેખા મુજબ આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત થશે. નવેમ્બર મહિનાના છેલ્લા વીકમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ખરા અર્થના શિયાળાની અનુભૂતિ થશે.
છેલ્લા કેટલાક વર્ષોનું જોઈએ તો મુખ્યત્વે નવેમ્બર મહિનામાં ભારે ઠંડીનો માહોલ ગુજરાત રાજ્યમાં જોવા મળતો નથી. પરંતુ મોટેભાગે કાતિલ ઠંડીનો રાઉન્ડ ડિસેમ્બરથી લઈને સમગ્ર જાન્યુઆરી મહિના દરમિયાન જોવા મળતો હોય છે. તો આ વર્ષે કંઈક આવા જ ચિત્રો જોવા મળી રહ્યા છે.
હવે ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે ઈશાની ઠંડા પવનોનું આગમન થશે. જેમ જેમ દિવસો પસાર થતા જશે, તેમ તેમ દિવસનું તાપમાન પણ ડ્રોપ થતું જશે અને ઠંડીની વિધિવત શરૂઆત થશે.